શ્રીભગવાન બોલ્યા: આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે.
અર્જુન બોલ્યા: આપનો જન્મ તો હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે; તો હું એ વાતને કેમ સમજું કે તમે જ સૂર્યને આ યોગ કહ્યો હતો?
શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન ! મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે; એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકારરૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક્ રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત્ નિર્મળ અને અલૌકિક છે – એમ જે માણસ તત્વથી જાણી લે છે, તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે. જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું. કર્મોના ફળને ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે; કેમકે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – આ ચાર વર્ણોનો સમૂહ, ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે; આ પ્રમાણે એ સૃષ્ટિરચના વગેરે કર્મનો કર્તા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતાં. કર્મ શું છે? અને અકર્મ શું છે? – એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે. કર્મ અને અકર્મ બંનેનું સ્વરૂપ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ; કેમકે કર્મની ગતિ અતિ ગહન છે. જે માણસ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે, એ માણસ સઘળાં માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય-લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય? અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે, એ સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ; આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા યાવન્માત્ર સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે; એમને યોગ્ય રીતે દંડવત્ પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મતત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. જે રીતે ભડભડતો અગ્નિ ઘણાંબધાં ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિ:સંદેહ બીજું કશું જ નથી; એ જ્ઞાનને ઘણા સમયથી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંત:કરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. જીતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ તત્કાળ જ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે; આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન તો પરલોક કે ન સુખ પણ છે. જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પી દીધાં છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અન્ત:કરણવાળા પુરુષને કર્મો નથી બાંધતાં.