અર્જુન બોલ્યા: હે જનાર્દન ! જો તમને કર્મ કરતાં જ્ઞાન ચઢિયાતું માન્ય છે તો પછી મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો?
શ્રીભગવાન બોલ્યા: ખરેખર કોઈ પણ માણસ કદીયે ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો; કેમકે આખાય મનુષ્યસમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગી જ શ્રેષ્ઠ છે. આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપી કર્તવ્યકર્મ કર; કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિદ્ધ નહિ થાય. સઘળાં પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે, કર્મસમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ; આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું. એ મહાપુરુષનું આ સંસારમાં કર્મ કરવાથી કે ન કરવાથી કશું પ્રયોજન રહેતું નથી; તેમજ સઘળા જીવો સાથે પણ તેનો લેશમાત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્યકર્મોને સમ્યક્ રીતે કરતો રહે, કેમકે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે, અન્ય માણસો પણ તે તે જ આચરે છે; તે જે કંઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. માટે કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઇચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત્ એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે; પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળાં કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. વાસ્તવમાં સઘળાં કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંત:કરણનો અજ્ઞાની ‘હું કર્તા છું’ એમ માને છે, ગુણવિભાગ અને કર્મવિભાગના તત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો અને પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. જે માણસો દોષદ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. માટે મનુષ્ય માટે ઉચિત એ છે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે; એ બન્નેને વશ ન થવું; કેમ કે તે બન્નેય એનાં કલ્યાણમાર્ગમાં વિઘ્નો ઊભાં કરનારા મહાશત્રુઓ છે.
અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે?
શ્રીભગવાન બોલ્યા: રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે, આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે, આને જ તું આ બાબતમાં વેરી જાણ. જેમ મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, તેવી રીતે જ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા જ્ઞાનીઓના વેરી કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. અને ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ – એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે; આ કામ આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે, માટે તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને, જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાન પાપી કામને જરૂર બળપૂર્વક હણી નાખ. ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત્ શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે; આ ઇન્દ્રિયો કરતાં મન, મન કરતાં બુદ્ધિ અને બુદ્ધિ કરતાં આત્મા પર છે.