અધ્યાય ૨ – સાંખ્યયોગ


શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન ! તારા જેવા શૂરવીરને અસમયે આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ કે યશ આપનારો છે. આથી હે પાર્થ! નપુંસકતાને વશ ન થા. હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઇ જા.

અર્જુન બોલ્યા: હે મધુસૂદન ! હું બાણોથી કઈ રીતે ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમકે તેઓ બંનેય પૂજનીય છે. વળી, અમે એ પણ જાણતા નથી કે યુદ્ધ કરવું કે ન કરવું; અથવા એ પણ નથી જાણતા કે અમે જીતીશું કે નહિ. આથી આપ કાયરતાને લીધે નષ્ટ થયેલા સ્વભાવના અને ધર્મની બાબતમાં મોહિત્તચિત્ત થયેલા મને જે નિશ્ચિતરૂપે કલ્યાણકારી સાધન હોય, તે કહો; કેમકે હું આપનો શિષ્ય છું, માટે આપના શરણે આવેલા મને ઉપદેશ આપો. કેમકે હું ક્યાંય પણ એવો ઉપાય નથી જોતો, જે મારી ઇન્દ્રિયોને સૂકવનારા શોકને નિવારી શકે.

શ્રીભગવાન બોલ્યા: હું, તું કે આ રાજાઓ કોઈ કાળમાં ન હતા એવું નથી; અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. ઠંડી-ગરમી અને સુખ-દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ અને અનિત્ય છે; માટે તેમને તું સહન કર. જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે, તે બંનેય જાણતા નથી; કેમકે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી; કારણ કે આ આત્મા અજન્મા, અવિનાશી, શાશ્વત અને પુરાતન છે, શરીરના હણાવા છતાં પણ આ હણાતો નથી. જેમ માણસ જૂનાં વસ્ત્રો ત્યજીને બીજાં નવાં વસ્ત્રો ગ્રહણ કરે છે, તેવી રીતે જ જીવાત્મા જૂનાં શરીરો ત્યજીને બીજાં નવાં શરીરો પામે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. પણ જો તું આ આત્માને જન્મનાર અને મૃત્યુ પામનાર માનતો હોય તો પણ તારે શોક કરવો યોગ્ય નથી. કેમકે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને મર્યા પછી પણ અપ્રગટ થઇ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો? આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે, તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. તથા તારી અપકીર્તિ પણ થશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથીયે વધીને છે. અને તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતાં તને ન કહેવા જેવાં વચનો પણ કહેશે; એનાથી વધારે દુઃખ બીજું શું હશે? જય-પરાજય, લાભ-હાનિ અને સુખ-દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઇ જા; આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. વેદો ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમનાં સાધનોનું પ્રતિપાદન કરનારા છે; માટે તું એ ભોગો અને એમનાં સાધનોમાં આસક્તિરહિત અને હરખ-શોક વગેરે દ્વન્દ્વોથી રહિત બનીને નિત્યવસ્તુ પરમાત્મામાં સ્થિત થઇ જા, તેમજ યોગક્ષેમને ન ઇચ્છનાર એટલે કે શરીરનિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અન્ત:કરણનો અર્થાત્ જિતેન્દ્રિય થા. બધી બાજુથી ભરપુર જળાશય મળી જતાં નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એનાં ફળોમાં કદીયે નહીં; માટે તું કર્મોનાં ફળનો હેતુ થા મા; અર્થાત્ ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્યબુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ. તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્યકર્મો કર; ‘સમત્વ’ એ જ યોગ કહેવાય છે. આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ; કેમકે ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે. સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે – તેમનાથી મુક્ત થઈ જાય છે; આથી તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા, આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત્ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે, તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ. જાત-જાતનાં વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં સ્થિરભાવે અચળ અને સ્થાયી થઈ જશે, ત્યારે તું યોગને પામીશ અર્થાત્ તારો પરમાત્મા સાથે નિત્યસંયોગ થઈ જશે.

અર્જુન બોલ્યા: હે કેશવ ! સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિરબુદ્ધિના પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિરબુદ્ધિનો પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અર્થાત્ તેનાં આચરણ કેવાં હોય છે?

શ્રીભગવાન બોલ્યા: હે પાર્થ ! જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક્ રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે સંપૂર્ણપણે નિ:સ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે. કાચબો બધી બાજુથી પોતાનાં અંગોને જેમ સંકોરી લે છે, તેમ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે (એમ સમજવું). ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય માત્ર વિષયો તો નિવૃત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત નથી થતી; જ્યારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત થઈ જાય છે અર્થાત્ પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશમાત્ર આસક્તિ રહેતી નથી. આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે, માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિતચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે; કેમકે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે, સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત્ જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે, પરંતુ સ્વાધીન અંત:કરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો અન્ત:કરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. અન્ત:કરણ પ્રસન્ન થતાં આનાં સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન-ચિત્તના કર્મયોગીની બુદ્ધિ તત્કાળ જ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે. સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રી સમાન છે, તે નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાનન્દની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે; અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળાં પ્રાણીઓ જાગે છે, પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રી સમાન છે. જે પ્રમાણે સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઇ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઇચ્છનારો નહીં. જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત્ તે શાંતિને પામેલો છે.

About Margesh

I am student.
This entry was posted in શ્રીમદ્ ભગવદ્ ગીતા and tagged , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s